શહેર નજીક આવેલ એક મોટી ફેક્ટરીમાં એજ્યુકેશન (ભણતર), સ્કીલ (ગણતર) અને એક્સપીરિયન્સના (અનુભવ) આધારે ઘણાં કર્મચારીઓ અલગ અલગ પદો પર કાર્ય કરતાં હતાં. પણ છેલ્લા ઘણાંય સમયથી શેઠિયા, મેનેજમેન્ટ ટીમ અને કર્મચારીઓ વચ્ચે કામના બદલે મળતા પગારના લીધે ઘર્ષણ ચાલ્યા કરતું હતું.
કોઈએ સાચું જ કહ્યું છે કે “લોકો પોતાનાં દુઃખ કરતાં અન્યોના સુખ જોઈ વધું દુઃખી થતાં હોય છે.” એજ વાત અહીં સાર્થક થતી જણાતી હતી. મેનેજમેન્ટ ટીમને એવું લાગતું હતું કે અમારી કુશાગ્ર બુદ્ધિ અને શ્રેષ્ઠ વહીવટના લીધેજ માલિકને આટલો બધો નફો થાય છે. પણ એના બદલામાં અમને બહુ ઓછો સેલરી(પગાર) મળે છે. મેનેજમેન્ટ ટીમની નીચે જે કર્મચારીઓ હતા એમને એમ લાગતું હતું કે દિવસ દરમિયાન અમારી તનતોડ મહેનતથી જ આ ફેક્ટરીમાં પ્રોડક્શન વધ્યું છે પરંતુ ઉપરના સાહેબ લોકોની સરખામણીમાં અમને બહુ ઓછો પગાર મળે છે. અને સામે પક્ષે એજ સ્થળે એજ શહેર માં અનેક યુવાનો એવા છે જેની પાસે એજ્યુકેશન, સ્કીલ અને અનુભવ બધું છે સાથે આ બધા લોકો કરતાં ઓછા પગારે તેઓ ગમે ત્યાં કાર્ય (નોકરી) કરવા માટે તૈયાર છે. છતા તેને કામ નથી મળતું !
ભારતના લગભગ દરેક રાજ્યમાં આપણને આવી સ્થિતિ જોવા મળશે. આપણે ક્યાં ભૂલ કરીએ છીએ ? આપણે હમેશા બીજાઓને જોઈએ છીએ અને એમાં પણ જે લોકો આપણાંથી પદ અને પૈસામાં ઊંચા છે એનેજ જોઈએ છીએ, થોડી જીણી દ્રષ્ટી તમારી આસપાસના એવા લોકો તરફ ફેરવો જેઓ હજી પણ તમારા લેવલથી બહુ પાછળ છે અને પેટીયું રળવા માટે રોજેરોજ સંઘર્ષ કરી રહ્યાં છે.
એ પણ નોંધવું રહ્યું કે “આપણે હંમેશા મોટા અને લગભગ ન પૂર્ણ થાય એવા જ સ્વપ્નાઓ જોઈએ છીએ.” જે મળ્યું છે અને જે આપણી પાસે છે ઈશ્વર પાસે એનો આભાર માનવાને બદલે આપણે કાયમ ઈશ્વરને ફરિયાદો જ નોંધાવીએ છીએ. આજે લગભગ દરેક મધ્યમવર્ગીય યુવાનને મોટું ફાર્મ હાઉસ જોઈએ છે, મોટું ઘર જોઈએ છે, મોંઘી ગાડીઓ જોઈએ છે સાથે સારી ગર્લફ્રેન્ડ જોઈએ છે. બસ આજ સેમ પેટર્ન આમાંથી કંઈ ઓછું કોઈને ખપતું જ નથી. “લોકો ક્યારેય નથી સમજતા કે સુખ અને દુઃખ એ એક સ્થિતિ છે જે કર્મને આધીન છે અને કોઈ પાસે કાયમી નથી ટકવાની.”
” લોકો બેંકની લોન ઉપર મોટા બંગલાઓ બનાવે છે અને પોતાના જીવનના મહત્વના વર્ષો અને અતિશય મહેનતથી કમાયેલ પૈસા વ્યાજમાં ભરે છે. અને છેલ્લે લોન પૂરી થતાં થતાં વ્યક્તિ અશક્ત થઈ જાય છે અને એજ બંગલાની છતમાંથી પાણી ટપકતું હોય છે.”
ઠીક ત્યારે આ જ છે જીવન અને આ જ છે તેની મજા તો જેવી છે તેવી જ એને જીવી લો. ભવિષ્યની ચિંતાઓ છોડીને બને ત્યાં સુધી વર્તમાનમાં જીવો. અસ્તુ..
સંદીપ મકવાણા.
20/7/24.
કલમ હજી અટકી નથી.